www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM interacts with youth in ‘Young Gujarat for New India’ programme

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ન્યૂ ઇન્ડીયા-નૂતન ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના વિચારને સાકાર કરવામાં દેશની યુવાશકિતના કૌશલ્ય-ટેકનોલોજી અને નવિન વિચારોની અહેમ ભૂમિકા રહેવાની છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ન્યૂ ઇન્ડીયા કોઇ નારો નથી પરંતુ દેશની ૬૦ ટકાથી વધુ વસ્તી બળ ધરાવતી યુવાશકિતને દેશના વિકાસમાં જોડવાની, રાષ્ટ્રની તાકાત બનાવવાની નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા ‘‘યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’’ સંવાદ-ગોષ્ઠિમાં ઉપસ્થિત ઉદ્યોગ, વેપાર, મિડીયા અને સર્વિસીસ સેકટરમાં યુવાન વયે ઉત્કૃષ્ટતા મેળવનારા યુવા સાહસિકો સાથે સંવાદ સાધ્યો હતો.

તેમણે ગુજરાતના વૈશ્વિક વિકાસની ભૂમિકા આ યુવા ઉદ્યોગ સાહસિકો સમક્ષ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે યુવાશકિત માટે દેશ-રાજ્યના વિકાસમાં નયા ભારતના નિર્માણમાં સહભાગી થવાનો આ રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ છે. અગાઉની યુ.પી.એ. સરકારની કૌભાંડોથી ખરડાયેલી છબિ, પોલિસી પેરાલીસીસની સ્થિતી – અનિર્ણાયકતા સામે શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વની સરકારના છેલ્લા ૩ વર્ષમાં સુશાસન, પ્રામાણિકતા ઇમાનદારી અને યોગ્ય લિડરશીપ પ્રાપ્ત થઇ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે મેઇક ઇન ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા, સ્ટેન્ડ અપ ઇન્ડીયા અને સ્વછતા અભિયાન જેવા રાષ્ટ્રનિર્માણ વિષયોમાં યુવાશકિતને ક્રિએટીવિટીની તકો તથા એ દ્વારા દુનિયાનું દિશાદર્શન કરવાની તક પ્રધાનમંત્રીશ્રીએ પૂરી પાડી છે.

મુખ્યમંત્રીશ્રીએ ન્યૂ ઇન્ડીયા નિર્માણ માટે ગુજરાતની યુવાશકિતના સામર્થ્યને સથવારે યંગ ગુજરાતની વિભાવના આપતાં કહ્યું કે આવનારા રપ વર્ષનો વિચાર-રોડ મેપ – નવી યંગ લિડરશીપનું નેતૃત્વ- ઇનોવેશન્સ આપણે ચરિતાર્થ કરવા છે.

‘‘નવિન પર્વ કે લિયે નવિન પ્રાણ ચાહિયે’’ એમ જણાવતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, યુવાનોના નવા વિચારો-આઇડીયાઝ – સપના આંકાક્ષા સીધા જ સરકાર સાથે જોડાય- શેર થાય તો નયા ભારતનું નિર્માણ અને ગરીબ, વંચિત, પીડિત, કૃષિ-ગ્રામીણ શિક્ષણ ક્ષેત્ર બધાના સર્વગ્રાહી ઉત્કર્ષ અને વિકાસનો હોલિસ્ટીક એપ્રોચ અવશ્ય પાર પાડવાનો છે જ.

મુખ્યમંત્રીશ્રીએ દેશમાં ક્રાઇસીસ ઓફ કેરેકટરની સ્થિતી વર્ષો સુધી રહી તેની આલોચના કરતાં ઉમેર્યુ કે હવે ઇમાનદારીનો ઉત્સવ પ્રમાણિકતાનું પર્વ શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ઉજવાય છે.

યુવાશકિત પણ આમાં પોતાના સામર્થ્યથી જોડાય તેવી પ્રેરણા આપતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે જેમને રાષ્ટ્ર-રાજ્ય માટે કાંઇક કરી છૂટવું છે તેમની સાથે સરકાર પણ તત્પરતાથી ઊભી છે.

છેલ્લા ૧પ વર્ષમાં ભારતના વિકાસમાં ગુજરાતના ફાળાના પ્રદાનની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ખરેખર છેલ્લા પંદર વર્ષમાં ભારતના વિકાસમાં ગુજરાતનો ફાળો વધ્યો છે. ૨૦૦૦ થી ૨૦૧૫-૧૬ વચ્ચે ભારતનો જી.ડી.પી. માં ગુજરાતનું યોગદાન ૫.૮ ટકાથી વધીને ૭.૩ ટકા થયેલ છે. આવી વૃધ્ધિ અન્ય કોઇપણ રાજ્ય મેળવી શક્યો નથી.

કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ૨૦૧૧-૧૨ થી ૨૦૧૪-૧૫ના સમયગાળા દરમિયાન સરેરાશ વાર્ષિક ૮. ૯ ટકાનો વૃધ્ધિ દર સાથે ગુજરાત દેશના ૧૯ મોટા રાજ્યો પૈકી સૌથી ઉંચો વિકાસ દર ધરાવે છે.

આ જ કારણસર ગુજરાતની માથાદીઠ આવક વર્ષ-ર૦૧પ-૧૬માં અંદાજીત રુા.૧,૩૮,૦૨૩/- થઇ ગયેલ છે. જે ભારતના સરેરાશ માથાદીઠ આવક (રૂ.૯૪, ૭૧૮) કરતા લગભગ ૪૬ ટકા ઉચું છે. તેની છણાવટ તેમણે કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસને કેન્દ્ર, રાજ્ય સરકારના કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર, જનશકિત, યુવાશકિત સૌ સાથે મળીને નયા ભારત સાથે નયા ગુજરાત બનાવે તેવું પ્રેરક આહવાન કર્યુ હતું.

તેમણે પોર્ટથી ટુરિઝમ, ઇન્ડસ્ટ્રીઝથી એગ્રીકલ્ચર, મરિનથી લઇ જીવદયા સુધી બધાના કલ્યાણનો વિચાર કરીને યુવાનો, સરકાર સૌને સાથે મળી રાજ્યના વિકાસની નવી ઊંચાઇઓ પાર પાડવા અનુરોધ કર્યો હતો.

ર૦૦થી વધુ યુવા સાહસિકો-વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનારા યુવાઓએ રસપ્રદ પ્રશ્નોત્તરી કરીને ગુજરાતની વાયબ્રન્સી, સફળતા સિધ્ધિ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. પ્રશ્નોત્તરી સત્રનું સંચાલન મુખ્ય સચિવશ્રી ડો. જે. એન. સિંઘે કર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત હતા.

પ્રારંભમાં ગુજરાતની સર્વાંગીણ વિકાસગાથાની ફિલ્મ પ્રસ્તૃત કરવામાં આવી હતી.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia