www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Gujarat CM Attended Jan Jagruti Mahasammelan of Samasta Vataliya Prajapati Samaj & Presented Gyati Ratna Awards at Rajkot

રાજકોટ શહેરમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે આ બજેટ સર્વ સમાવેશક, સર્વ હિતકારી છે અને રાજ્ય સરકારના બજેટમાં સૌના હિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વધુમાં રાજ્યના યુવાનોને જ્ઞાનની એક વીસમી સદી સાથે કદમ મિલાવી શકે એ માટે માત્ર એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ યુવાનોને ૧૫ હજારની કિંમતના ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયામાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ વખતના બજેટમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો, શ્રમિકો માટે વિશેષ નાણાકીય પ્રાવધાન કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તમામ વર્ગો, સમાજની ચિંતા કરી, તેને સાથે રાખી વિકાસની નવી ઉંચાઇઓ સર કરવા માટે પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ બજેટની ધ્યાનાકર્ષક નાણાકીય જોગવાઇઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રૂ ૫૬ હજાર કરોડ, શિક્ષણ માટે રૂ.૧૧ હજાર કરોડ અને ખેડૂતો માટે રૂ. ૬૦ હજાર કરોડના પ્રાવધાન કરવામાં આવ્યા છે. આ બજેટ રાજ્યના સામાજિક માળખાના વિકાસ માટે ઉદ્દીપક બની રહેશે અને ગુજરાતના ચૌમુખા વિકાસને વેગ આપશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આરોગ્ય સેવાને વધુ બહેતર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી આઠ મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત,ખાનગી કે સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનારી દીકરીઓની ફી રાજ્ય સરકાર ભોગવશે. રાજ્યના ચાર લાખ યુવાનોને માત્ર એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ થકી જ્ઞાનની દુનિયા યુવાનોની હથેળીમાં આવી જશે. તેવો શ્રી રૂપાણીએ દ્રઢ આશાવાદ દર્શાવ્યો હતો. વધુમાં પરંપરાગત વ્યવસાય કરતા લોકોને તાલીમ મળી રહે એ માટે આ વખતના બજેટમાં રૂ. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આવા વ્યવસાયીઓને વિદેશમાં પણ તાલીમ લેવી હોય તો રાજ્ય સરકાર તેમને આર્થિક સહાય કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે એ માટે અપાનારી સબસીડીની માહિતી આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૫ લાખ સુધીના આવાસમાં રૂ. ૪.૮૪ લાખની સબસીડી આપશે. આવા પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર મદદરૂપ થશે.

ભ્રષ્ટાચાર નિર્મૂલનની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીશ્રીએ તારસ્વરે કહ્યું કે રાજ્યમાં એક રૂપિયામાં સવા રૂપિયાનું કામ થાય છે. રાજ્યમાં યોજાયેલા મેગાજોબ ફેર દરમિયાન ૧.૦૯ લાખ યુવાનોને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હોવાની કહી મુખ્યમંત્રીશ્રીએ એક વર્ષમાં વધુ ૧૦ લાખ યુવાનોને જોબફેર થકી પ્લેસમેન્ટ આપવામાં આવશે, તેમ કહ્યું હતું. હર હાથ કો કામ, હર ખેત કો પાનીના રાજ્ય સરકારના સંકલ્પને મુખ્યમંત્રીશ્રીએ દોહરાવ્યો હતો.

વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા જ્ઞાતિ રત્ન એવોર્ડથી વિભૂષિત શ્રી મનસુખભાઇ ધંધુકિયાના સેવાકાર્યોની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી અને કહ્યું કે દરેક સમાજના અગ્રણીઓ નિરાભિમાની બની સમાજ, રાજ્ય અને દેશની સેવા કરે એ જરૂરી છે. સમાજ સેવામાં વ્યક્તિગત પૂર્વગ્રહો અને અભિલાષાઓ રાખવી જોઇએ નહીં. મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ પ્રજાપતિ સમાજની સંસ્કૃતિના દર્શન કરાવતા પ્રદર્શનને નિહાળ્યું હતું. અહીં કેશલેશ અભિયાન, બેટી બચાવો અભિયાન જેવા જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

ઊર્જા મંત્રી શ્રી ચિમનભાઇ સાપરિયાએ સમાજની શક્તિ દેશ હિતમાં ઉપયોગ કરવા માટે આહ્વાન કર્યું હતું. સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ તથા શ્રીમતિ ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ,ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ધ્રુવ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ,ભીખાભાઈ વસોયા, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, વાટલિયા પ્રજાપતિ સમાજના હોદ્દેદારો સર્વે શ્રી દિલસુખભાઈ ધંધુકિયા, શ્રી નંદલાલભાઈ, શ્રી જે. બી. વોરા, શ્રી રમેશભાઇ ગોંડલિયા તથા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહયાં હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia