www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM interacts with leading industrialists of the State in the run up to VGGS-2017

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૧૭ના ઐતિહાસિક આયોજનની ભૂમિકા સાથે યોજેલી બેઠકમાં વ્યાપાર ઉદ્યોગના ગુજરાતભરમાંથી આવેલ અગ્રણીઓ અને પદાધિકારીઓ તરફથી અગ્રીમ યોગદાનનો અપૂર્વ ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો.

ગુજરાત વૈશ્વિક અર્થતંત્રમાં પ્રભાવ ઉભો કરનારું સામર્થ્યવાન રાજ્ય બની રહેવાનું છે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આગામી સમિટ દેશના અર્થતંત્ર અને અન્ય રાજ્યોને પણ સર્વાધિક ફળદાયી બને એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ અવસરને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક બનાવી તેની સફળતા માટે આખું ગુજરાત યજમાન છે અને રાજ્યના ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્ર જ પહેલરૂપ નેતૃત્વ આપે તેવી મુખ્યમંત્રીશ્રીની પ્રેરક અપીલને સૌએ આવકારી હતી.

શ્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ આગામી સિરીઝ ભારતને વૈશ્વિક વેપાર ઉદ્યોગ અને અર્થતંત્રમાં શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક નવી ઊંચાઈએ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી વાયબ્રન્ટ સમિટની શ્રૃંખલા હવે દિલ્હીમાં તેમના નેતૃત્વની સરકાર બનતા સમગ્ર વિશ્વના વેપાર ઉદ્યોગ જગતનું ધ્યાન આકર્ષિત કરનારી ઐતિહાસિક સમિટ બનવાની છે.

તેમણે ઉમેર્યું કે ૧૪,૦૦૦ જેટલા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ્સનું આ સમિટ માટે રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. MSME સેક્ટરને પ્રોત્સાહિત કરવા વિશેષ ફોકસ સાથે MSME સેશન અને GST ક્રિયાન્વયન માટે પણ આ સમિટમાં સત્ર યોજાવાનું છે.

શ્રી વિજય રૂપાણીએ આ વર્ષની વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ વર્ણવતા કહ્યું કે સ્ટાર્ટઅપ નવયુવાઓના ઇનોવેશન્સ-આઇડિયાઝને નવી દિશા અને માર્ગદર્શન આપવા પ્રથમવાર નોબેલ પ્રાઇઝ વિનર્સને આમંત્રણ આપીને એક વિશેષ સત્ર યોજવાના છીએ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો બીજો તબક્કો હવે સમયની માગ છે અને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ, ૧૮ જેટલી પ્રોત્સાહક પોલિસીઓ સાથે તેની પણ આગેવાની લેવા સજ્જ છે.

આ સમિટની હવે વૈશ્વિક સ્વરૂપે ઓળખ થઈ છે અને ગુજરાત જ નહીં દેશના અર્થતંત્ર તથા ઉદ્યોગ વ્યાપારના વિકાસને મહત્તમ ગતિ મળવાની છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભારતના દિલ્હી, મુંબઈ સહિતના મહાનગરોમાં યોજેલી ઉદ્યોગ-વેપારના અગ્રણીઓ સાથેની બેઠકોને જે વ્યાપક પ્રતિસાદ મળ્યો તેની ભૂમિકા આપી હતી.

મુખ્યસચિવ શ્રી ડો. જે. એન. સિંહે વાયબ્રન્ટ સમિટની પૂર્વતૈયારીઓની વિગતો આપી હતી. ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. તનેજાએ પ્રેઝન્ટેશન દ્વારા VGGIS-2017નું વિસ્તૃત વિવરણ કર્યું હતું. CIIના ચેરપર્સન રીના ભગવતી અને FICCIના પ્રેસિડેન્ટ શ્રી પંકજ પટેલે આ સમિટની સફળતા માટે વેપાર-ઉદ્યોગ જગતના સમર્થનનો વિશ્વાસ આપ્યો હતો.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia