www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
GoG to Set up a World-class Maritime University in the State

વિવિધ ખાનગી યુનિવર્સિટેઓની સ્થાપના અને આવી યુનિવર્સિટીઓ દ્વારા શિક્ષણના વિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અભ્યાસની વ્યાપક તકો મળી રહે તેવા હેતુથી રાજ્યમાં અનેક ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે ત્યારે મેરીટાઈમ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને વિપુલ તકો મળે તે હેતુથી વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૧૭ નું ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્વિતિય સુધારા) વિધેયક પાસ કરવામાં આવ્યું છે. વિધેયક પર મંજુરીની મહોર વાગવાથી આગામી દિવસોમાં ગુજરાતમાં વૈશ્વિક કક્ષાની મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના થશે.

મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના અને તેના વિકાસથી તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ, કોર્મશિયલ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને મળી રહેશે. પરિણામે ભવિષ્યમાં મેરીટાઈમ ક્ષેત્રે કુશળ માનવબળ પૂરુ પાડી શકાશે. આના લીધે રાજ્યનું મેરીટાઈમ ક્ષેત્ર વિકાસની હરણફાળ ભરશે. એટલું જ નહિ, પણ નવી તકોનું નિર્માણ થતા આંતરરાષ્ટ્રીય રોકાણકારો દેશમાં મેરીટાઈમ ક્ષેત્રે મૂડીરોકાણ કરવા આકર્ષાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ યુ.કે અને કોરીયા ની નામાંકિત યુનિવર્સિટીઓ સાથે કરેલા સમજૂતીકરાર આ યુનિવર્સિટીની સ્થાપનાથી સાકાર થશે.

મેરીટાઈમ યુનિવર્સિટીની જરૂરિયાત:

વિશ્વસ્તરે સંભવિત નોકરીઓનો અભ્યાસ કરતા એવું તારણ આવ્યું છે કે ૫૧ ટકા જેટલી ટેકનિકલ નોકરીઓ અને ૪૯ જેટલી કોમર્શિયલ પ્રવૃત્તિઓને લગતી નોકરીઓની તકો ઉપલબ્ધ છે, ત્યારે આપણા દેશમાં ટેકનિક્લ અભ્યાસને અનુરૂપ ૬૦ ટકા અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે ૪૦ ટકા નોકરીઓની તકો ઉપલબ્ધ થશે. ૬૦ ટકા ટેકનિકલ તકની સામે ૯૨ ટકા ટેકનિકલ અભ્યાસક્રમ દેશમાં ચાલી રહ્યા છે. જ્યારે ૪૦ ટકા કોમર્શિયલ પ્રવૃત્તિઓની સામે માત્ર ૮ ટકા જ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. મેરીટાઈમ યુનિવર્સિટી આ તફાવતને દૂર કરવાની દિશાનું એક કદમ છે. ટેકનિકલ અભ્યાસ અનુસાર આગામી ૧૦ વર્ષમાં ૧.૧૦ લાખ થી ૨.૮૦ લાખ માનવબળની અછત ઊભી થશે તેમાં પણ ૬૦ ટૅકા જેટલા કોમર્શિયલ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હશે. આવું માનવબળ આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના થતા સહેલાઈથી પૂરુ પાડી શકાશે.

હાલમાં મેરીટાઈમ ની શિક્ષણના એક ક્ષેત્ર તરીકે લોકોમાં જાગૃતિ નથી. મેરીટાઈમ ક્ષેત્રે અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને છેક સિંગાપુર, યુકે, નેધરલેન્ડ જેવા દેશોમાં જવું પડે છે. આ સ્થિતિનું નિવારણ કરવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંડિત દિનદયાલ યુનિવર્સિટીની સ્થાપના કરીને ગુજરાતમાં નોલેજ બેંક અને મેરીટાઈમ યુનિ. ની સ્થાપના કરવાનું વિચાર્યું હતું. આ વિચારબીજને પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તથા હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવ્યું છે.

અંદાજે રૂ. ૮૮૨ કરોડના ખર્ચે તૈયાર થનાર આ ખાનગી યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થનાર છે તેમાં પોર્ટ્સ એન્ડ શિપિંગ, મેરીટાઈમ ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ, શિપિંગ ટ્રેડ એન્ડ ફાઈનાન્સ, મેરીટાઈમ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, મેરીટાઈમ ટુરિઝમનો સમાવેશ થાય છે. અન્ય અભ્યાસક્રમોમાં સ્કુલ ઓફ મેરીટાએમ લૉ અંતર્ગત LLM ઈન મેરીટાઈમ લૉ, LLM ઈન ઈંટરનેશનલ ટ્રેડ લૉ, એમ.એસ.સી ઈન મેરીટાઈમ એડમિનિસ્ટ્રેશન, એમએસસી ઈન મેરીટાઈમ પોલીસી, એમએસસી ઈન મરીન ઈન્સોરન્સ, પીએચડી વગેરેનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં પણ વિવિધ અભ્યાસક્રમોનો સમાવેશ કરાશે.

યુનિવર્સિટીની સફળતા અને વિદ્યાર્થીઓને તેનો મહત્તમ લાભ મળે તે માટે તેનું સ્થળ પણ મહત્વનું છે તે ધ્યાનમાં લેતા અંદાજે ૧૦૦ એકર જમીનમાં અમદાવાદ/ગાંધીનગર જેવા શહેરી વિસ્તારની આસપાસ આ યુનિ. ની સ્થાપના થાય તેવી સંભાવના છે. આવા શહેરની આસપાસ યુનિ. ની સ્થાપના થવાથી તેને માળખાકિય સુવિધાથી સરળતાથી જોડી શકાશે. આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરિયાઈ વિસ્તારની મુલાકાતની જરૂરિયાત જણાય તો તેના ટેકનિકલ અભ્યાસ માટે સેટેલાઈટ કેમ્પસ દરિયાકાંઠે ઊભું કરવામાં આવશે. હાલની ટેકનોલોજી એટલી આધુનિક છે કે મેરીટાઈમ યુનિવર્સિટી દરિયાકાંઠે કે કોઈ બંદરે ન હોય તો પણ તે સફળ નીવડી શકશે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia