www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
World Forest Day: CM Addresses about 16.5 L People Across the State Through BISAG, Appeals to Increase Green-cover in Gujarat

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા સામે પર્યાવરણ સંવર્ધન-વૃક્ષ જતન વાવેતરથી સજ્જ થવા વિશ્વ વન દિને સમાજશકિતને આહવાન કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વૃક્ષો, વન, જળ, પ્રાણીસૃષ્ટિ અને માનવજીવન બધા જ ‘વસુધૈવ કુટુમ્બકમ‘ની ભદ્રભાવનાથી પરસ્પર સંકળાયેલી અતૂટ કડી છે તેને વધુ સુદ્રઢ બનાવવાના સહિયારા પ્રયાસોથી જ વન દિવસની ઉજવણી યર્થાથ થશે.

ર૧મી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ અવસરે રાજ્યના વનકર્મીઓ, વનમંડળીઓના સદસ્યો, સહભાગી વન વ્યવસ્થાના સમિતિઓના આદિજાતિ બંધુ ભગિનીઓ અને ૧૬ લાખ ઉપરાંત વન-પ્રકૃતિ પ્રેમીઓએ ‘બાયસેગ‘ સેટેલાઇટ માધ્યમથી ગાંધીનગરથી પ્રસારિત મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક સંદેશ ઝીલ્યો હતો.

યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રતિવર્ષ ર૧મી જૂને ઉજવાતા વિશ્વ વન દિવસની આ વર્ષની ઉજવણીની થીમ વનો અને ઊર્જાની રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણના અસંતુલને સર્જેલી જલવાયુ પરિવર્તનની જ નહિ, પાણી, હવા, ખોરાક અને માનવ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના તારણોપાય તરીકે વૃક્ષાચ્છાદિત ધરતી કવચ અને હરિયાળી વૃધ્ધિની સંકલ્પના સમાજ સહયોગથી પાર પાડવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કલાયમેટ ચેન્જ સામે માનવજાતના રક્ષણમાં વન અને વૃક્ષો અગત્યની ભુમિકા ભજવે છે. તેમણે આ પરિપ્રેક્ષ્યમાં વૃક્ષના ચાર મુખ્ય ગુણો સ્થિરતા, પરોપકારીતા, અ-યાચકતા અને નિરાભીપણાનો વિશેષ ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, આજના સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ત્રણેય પહેલુઓ સાથે ઊર્જા રક્ષણનો સમન્વય કરીને ટકાઉ વિકાસનો માર્ગ જ સમયની માંગ છે.

મુખ્યમંત્રીશ્રીએ વન સંપદા અને વૃક્ષોના મહત્તમ ઉછેરથી હરિયાળું કવચ રચવાની અનિવાર્યતા સમજાવતાં આ માટે સમાજ સમસ્તમાં જનઅભિયાન અને જન-જનમાં જાગૃતિ ફેલાવવાનું પ્રેરક આહવાન કર્યુ હતું.

‘‘આપણા સંતો-મહંતો પૂર્વજોએ વૃક્ષ જતન-ઉછેરની જે સંસ્કાર પરંપરા ઉભી કરી છે તે આપણે પણ જાળવી રાખી ભાવિ પેઢીને હરિયાળી ધરતી-પ્રદૂષણમૂકત જીવનનો વારસો આપીએ‘‘ તેમ મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષ ઉછેરનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાકાર કરવામાં વનસંપદાથી વનબંધુઓને પણ આર્થિક આધાર આપવાની નેમ દર્શાવી હતી. તેમણે વનબંધુઓ-આદિજાતિ પરિવારો જે વન વિસ્તારમાં વસવાટ કરે છે તેમને અર્થોપાર્જન-આર્થિક આધાર માટે વનપેદાશો એકત્રીકરણ, આયુર્વેદ ઔષધિય રોપા ઉછેર-વાવેતરની નવી પહેલ કરી છે તેમ પણ ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વન જતન સાથે સમગ્ર પર્યાવરણીય જાળવણીનો ભારપૂર્વક અનુરોધ કરતાં કહ્યું કે, વૃક્ષ-પ્રકૃતિનું શોષણ નહિં દોહન કરીને જ સમસ્યાઓનું સમાધાન લાવી શકીશું.

મુખ્યમંત્રીશ્રીએ બાયસેગ પટાંગણમાં પ્રતિક વૃક્ષારોપણ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી એ વૃક્ષો પ્રત્યે લાગણી ધરાવનારાઓનો ઉત્સવ છે.

મનુષ્યના જીવનનો મુખ્ય આધાર વન છે તેમ જણાવી મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, રાજ્યમાં જંગલોનાં જતન-સંવર્ધન માટે રાજ્ય સરકારે જનભાગીદારીને મહત્વ આપ્યું છે અને તેના કારણે જ આજે રાજ્યમાં ૩ હજારથી વધુ સહભાગી વન સમિતિ જંગલોમાં જતન-સંવર્ધન માટે કાર્ય કરે છે. આ કાર્ય સરકારનું કે સહભાગી સમિતિનું નહીં પરંતુ પ્રત્યેક નાગરિકનું છે એમ જણાવી સૌ નાગરિકોને વૃક્ષ વાવેતર અને તેના ઉછેર માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું હતું.

ઉપગ્રહ પ્રસારિત આ કાર્યક્રમમાં વન રાજ્યમંત્રી શ્રી શબ્દશરણ તડવી, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અગ્રવાલ, અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી તથા વનવિભાગ ઉચ્ચ અધિકારીઓ પણ બાયસેગ સ્ટુડીયોમાં ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia