www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM, Union Defence Minister joins seminar on self-reliance in aerospace & defence sectors

વિકાસશીલ અભિગમ, વેપાર-વ્યવસાય માટે સાનુકૂળ વાતાવરણ અને સંશોધનાત્મક પ્રવૃત્તિઓને કારણે ગુજરાત સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે મહત્વનું હબ બનશે. ભારતના રક્ષા મંત્રી શ્રી મનોહર પારિકરે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં સુરક્ષા સાધનોના ઉત્પાદન માટેના ૨૦ લાયસન્સ ગુજરાતમાં અપાયા છે. ગુજરાત ડિફેન્સ સ્ટેટ બનશે. સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં કેન્દ્ર સરકારે ડિઝાઈન, ડેવલપ એન્ડ મેઈક ઈન ઈન્ડિયા પોલીસી અપનાવી છે.

આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ શ્રેણી અંતર્ગત એરોસ્પેસ અને ડિફેન્સના ક્ષેત્રમાં સ્વનિર્ભરતા હાંસલ કરવા માટે સંશોધનને પ્રોત્સાહન આપવા માટે વિશદ્ વિચાર-વિમર્શ કરવા સેમિનારનું આયોજન કરાયું હતું.

રક્ષામંત્રી શ્રી મનોહર પારિકરે આ સેમિનારમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ૩૦ વર્ષમાં ભારતમાં સેનાના શસ્ત્રાગારમાં આર્ટિલરી ગનનો આવિષ્કાર નો`તો થયો. તાજેતરમાં જ સ્વદેશી આર્ટિલરી ગનનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ તેની ખરીદી માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા ઓર્ડર આપી દેવામાં આવશે.

રક્ષામંત્રી શ્રી પારિકરે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ડિઝાઈનથી માંડીને ફ્લાઈટ સુધીનું કામ ૧૪ મહિનામાં યુવા એન્જિનિયરોએ પુરું કર્યું છે. ભારતમાં પહેલીવાર ઈન્ડિયન ઓર્ડિનન્સ લિસ્ટ બનાવાયું છે. જે ખાનગી કંપની માટે ખુલ્લું છે. ૭૦ ટકા એક્સપોર્ટ એન.ઓ.સી. ૧૭ દિવસમાં ઈસ્યૂ કરવામાં આવે છે. તેમણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતા જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭માં અહીં ખરેખર વાયબ્રન્ટનો અર્થ પરિપૂર્ણ થયો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સેમિનારમાં બોલતાં જણાવ્યું હતું કે, ગુજરાત એવું સૌપ્રથમ રાજ્ય છે જેણે ડિફેન્સ અને એરોસ્પેસ માટે સ્વંય સ્પષ્ટ નીતિ બનાવી છે. શાસકો આવે ને જાય પરંતુ વિકાસ માટે સતત-અવિરત કામ થાય તે માટે પોલિસી હોવી જોઈએ. ગુજરાત હંમેશા આ રીતે અગ્રેસર રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં વિદેશી મૂડીરોકાણ માટે કેન્દ્ર સરકારે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ-FDI નીતિમાં આવકાર્ય સુધારા કર્યાં છે તેનો ઉલ્લેખ કરીને, શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદન માટે જરૂરી તમામ પગલાં લેવા રાજ્ય સરકાર તૈયાર છે. ગુજરાતના યુવાનો એન્જિનિયરિંગમાં અગ્રેસર છે, એટલું જ નહીં જરૂરિયાત પ્રમાણે સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ કામગીરી કરાશે.

ધોલેરા સરમાં ઉદ્યોગ માટે રાજ્ય સરકારે રૂ.૩,૦૦૦ કરોડનો ખર્ચ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ સહિતની પાયાની સુવિધાઓ અંગે નિર્દેશ કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ સમિટ દરમિયાન જ ધોલેરા સર સાથે એરબસે એમ.ઓ.યુ. કર્યાં છે. તેમણે ડિફેન્સ અને એરોસ્પેસ સાધનોના ઉત્પાદનમાં નવા આયામો સિદ્ધ કરીને આ ક્ષેત્રે અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ માટે ગુજરાતના દરિયાકાંઠાથી લઈને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાની તેમણે ખાતરી આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભારતના રક્ષામંત્રી શ્રી મનોહર પારિકરની ઉપસ્થિતિમાં રિલાયન્સ ડિફેન્સ લિમિટેડે ગુજરાત સરકાર સાથે પીપાવાવ ખાતે સંરક્ષણ પ્રોજેક્ટ માટે રૂ.૨૫૦૦ કરોડના એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યાં હતા. આ પ્રોજેક્ટથી રોજગારીની ૧૫૦૦ તકોનું નિર્માણ થશે. દીપક ફર્ટિલાઈઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ.એ રૂ.૩,૦૦૦ કરોડના પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ. કર્યાં હતા. જ્યાં રોજગારીની ૨૦૦ તકોનું નિર્માણ થવાની સંભાવના છે. આસ્થા ઈન્ફ્રા લાઈવ્સ પ્રા.લિ.એ રૂ.૫૫૦ કરોડના, વ્હીર્લ વર્કસ એરિયલ પ્રા.લિ.એ રૂ.૧૦૦ કરોડના, જૈવલ એરોસ્પેસ પ્રા.લિ.એ રૂ.૧૦૩ કરોડના, સ્યોર સેફ્ટી લિ.એ રૂ.૧૦ કરોડના અને સુપ્રિમ એવિએશને રૂ. ૪૦ કરોડના એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યાં હતા.

ભારત સરકારના રક્ષા મંત્રાલયના ડિફેન્સ પ્રોડ્કશન વિભાગના સચિવ શ્રી અશોકકુમાર ગુપ્તાએ ભારતમાં ડિફેન્સ પ્રોડ્કશન ક્ષેત્રે પ્રાઈવેટ ક્ષેત્રના રોકાણને આહવાન કરતાં જણાવ્યું કે, રક્ષા ક્ષેત્રે વિવિધ પ્રોડ્કટના ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા FDIમાં છૂટછાટ માટે પહેલ કરી છે. ડિફેન્સ પ્રોડ્કશનમાં મોર્ડન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ભારતને રક્ષા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧.૬૦ હજાર કરોડના ૮૫ જેટલાં કરારોને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવતાં શ્રી ગુપ્તાએ વધુમાં ઉમેર્યું કે, ડિફેન્સ પ્રોડ્કટના ખાનગી ધોરણે ઉત્પાદન માટે આગળ આવનાર એકમોને વિવિધ કર રાહતોઆપવાની સાથે DRDOની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાનો પણ લાભ આપવામાં આવશે.

હાલમાં ૨૦ જેટલાં મેન્યુફેકચરિંગ પ્રોજેક્ટ ફિઝિબિલિટી ચકાસણી હેઠળ હોવાનું શ્રી ગુપ્તાએ જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં એન્જિનિયરિંગ એકમો મોટી સંખ્યામાં આવેલા હોવાથી ડિફેન્સ પ્રોડ્કશન માટે અહીં અનુકૂળ સ્થિતિ છે.

ભારત સરકારના રક્ષા મંત્રાલયના આર એન્ડ ડીના સચિવ તથા DRDOના ચેરમેન

ડૉ. એસ. ક્રિસ્ટોફરે ભારતમાં પૂરતી માત્રામાં ડિફેન્સ પ્રોડ્કટનું ઉત્પાદન કરતા ખાનગી એકમો ન હોવાથી દર વર્ષે મોટી માત્રામાં આયાત કરવી પડે છે. એરોસ્પેસ ક્ષેત્રે પ્રવર્તતી માંગની ખાઈને પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રની કંપનીઓ પૂરી કરી શકે તેમ હોવાનો મત ડૉ. ક્રિસ્ટોફરે વ્યક્ત કર્યો હતો.

બ્રહ્મોસ એરોસ્પેસના સી.ઈ.ઓ. એન્ડ એમ.ડી. ડૉ.સુધીરકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, બ્રહ્મોસ મેઈક ઈન ઈન્ડિયાનું એક સફળ ઉદાહરણ છે જ્યાં જોઈન્ટ વેન્ચર દ્વારા એક શક્તિશાળી અને ગુણવત્તાવાળી મિસાઈલનું ઉત્પાદન ભારતમાં શક્ય બન્યું છે.

સાબ ઈન્ડિયા ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન શ્રી જેન વાઈડરસ્ટ્રોમે જણાવ્યું હતું કે, મેઈક ઈન ઈન્ડિયા બ્રાન્ડ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આયાતકારમાંથી નિકાસકારમાં પરિવર્તિત થઈ જશે. એક્સપોર્ટ ક્વોલિટી ડિફેન્સ પ્રોડ્કશન માટે લાંબાંગાળાની સ્થિરતા સાથે સંશોધન અને વિકાસ જરૂરી છે. ડિફેન્સ પોલિસીમાં બદલાવ થવાથી સૌથી વધારે ફાયદો MSME સેકટરને મળશે. તેમણે ભારત સરકારને ડિફેન્સ પ્રોડ્કશન વિભાગનું નામ ડેવલોપમેન્ટ ટુ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ કરવા પણ સૂચન કર્યું હતું.

DRDOના ડાયરેક્ટ જનરલ (એરો) શ્રી ડૉ. સી. પી. રામનારાયણએ ઉપરોક્ત સેમિનારમાં જણાવ્યું હતું કે, એરોસ્પેસ પાસેથી વિકાસની જે અપેક્ષા અને ભારતમાં જે જ્ઞાન છે તેને લીધે ભારત સરકારની મદદથી એરોસ્પેસમાં ઝડપથી ક્રાંતિ સર્જાશે. તેમણે જણાવ્યું કે, ભારત હવે પેરાશૂટની આયાત કરતું નથી ૯૦ ટકા રડાર હવે ઈન્ડિયન પી.એસ.યુ. બનાવે છે.

આ સેમિનારમાં ઓર્ડીનન્સ ફેકટરી બોર્ડના સભ્ય શ્રી એસ.સી.બાજપાઈ, બોઈંગ ઈન્ડિયાના ડાયરેક્ટર શ્રી અશ્વિની ભાર્ગવ, એલ.એન્ડ.ટીના સબમરિન-અન્ડર વોટર પ્લેટફોર્મ્સના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મુકેશ ભાર્ગવ તથા આ ક્ષેત્રના નિષ્ણાતો અને ઉત્પાદકો ઉપસ્થિત રહ્યાં હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia