www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM Inaugurates Yatri Bhawan at Goddess Ambaji Temple in Vadiavir Region of Sabarkantha District

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ભારતમાં દેવીશકિતની પૂજા થાય છે. દેશમાં મા અંબા-દુર્ગા માતા-સંતોષી માતા જેવી અનેક દેવીઓ કૂળદેવી તરીકે પૂજાય છે. સાથે સાથે આસૂરીશકિતના વિધ્વંશ માટે દેવીશકિતની પૂજા કરાય છે, એ અર્થમાં નારીશકિતનું સન્માન એ આપણી પરંપરા છે.

ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પણ વિકાસની સાથે ધર્મ-સંસ્કાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આજે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના શ્રી મહંત બુધ્ધિગિરીજી શીતલહીરજી મહારાજ જનસેવા પ્રતિષ્ઠાન વડીયાવીર ખાતે અંબાજી માતા મંદિરના છઠ્ઠા પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત યાત્રીભવન-ભોજનાલયનું ઉદ્દઘાટન તથા સુવર્ણજડિત ધુમ્મટ આંબલસરાનું અનાવરણ કર્યું હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રમણલાલ વોરા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ એ વિશ્વના અનેક દેશો માટે અનુકરણીય અને અભ્યાસપૂર્ણ રહી છે. આપણી ધર્મ-પરંપરા અને ધર્મ સંસ્કારો પણ સામાજિક એકતાને જોડેલી રાખે છે. આપણી સમાજવ્યવસ્થા અને સામાજિક એકતા જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને દારૂબંધીનો કડક અમલ એ દિશામાંનું જ કદમ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતની વિકાસ પ્રક્રિયાને પરિણામલક્ષી બનાવવા રાજ્ય સરકારે હાથ ધરેલી કામગીરીનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારી સરકાર પારદર્શકતા, ભ્રષ્ટાચારમુકત શાસન, સંવેદનશીલતા, પ્રગતિશીલતાના અને નિર્ણાયકતાના માપદંડો સાથે આગળ વધી રહી છે. અને એટલે જ ૧૦૦ દિવસમાં ૧રપ નિર્ણયો અને ૧૬૦ દિવસમાં ર૦૦ નિર્ણયો લઇ પ્રજાલક્ષી વહીવટની પ્રતીતિ કરાવી છે. તેમણે સેવાસેતુ કાર્યક્રમો દ્વારા હાથ ધરાતા કામોની જાણકારી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, અમારી સરકાર ‘‘સૌનો સાથ-સૌનો વિકાસ’’ના મંત્ર સાથે આગળ વધી રહી છે, પરંતુ કેટલાક તત્વો મતબેન્કનું રાજકારણ રમીને વર્ગવિગ્રહ-સમાજવિગ્રહ કરાવવા તત્પર બન્યા છે. ગુજરાતની પ્રજા આવા તત્વોને ઓળખી ગઇ છે એટલે આવા તત્વોની મેલીમૂરાદ કયારેય સફળ નહી થાય. તેમણે સામાજિક એકતા અને શાંતિ સલામતી જળવાય તે માટે સમાજશકિતને આહવાન કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે વડીયાવીરની પવિત્ર ભૂમિ પર આજે યાત્રીભવન, ભોજનાલયને ખુલ્લા મુકાયા છે. રાજ્ય સરકારે વિકાસકામોને અગ્રીમતા તો આપી જ છે પરંતુ લોક આસ્થા સાથે જોડાયેલા કામોને પણ સંપન્ન કર્યા છે. અધ્યક્ષશ્રીએ સંસ્થા દ્વારા બેટી બચાવો અભિયાનને સફળ બનાવવા હાથ ધરાયેલા કામોની સરાહના કરી હતી. સાથે સાથે સંસ્થાની સેવાકીય-શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ અનુકરણીય ગણાવી હતી.

આ પ્રસંગે મહંતશ્રી શાંતિગિરીજી મહારાજે મંદિર તરફથી સ્વસ્થતા અભિયાન તથા સૈનિક રીલીફ ફંડમાં રૂ. એક લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

મહંતશ્રી શાંતિગિરીજી મહારાજે આશીર્વચનમાં પ્રાચીન બિલેશ્વર મહાદેવ અને અંબિકા માતાની મંદિરનું ઐતિહાસિક મહત્વ અને મહાત્મ્ય વર્ણવી આ પ્રતિષ્ઠાન દ્વારા હાથ ધરાયેલી સેવાપ્રવૃત્તિની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી વલ્લભભાઇ કાકડીયા, જિલ્લાના સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, ધારાસભ્યશ્રી રાજુભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જે. ડી. પટેલ, મહામંત્રીશ્રી અશોકભાઇ જોષી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ, ભકતજનો-ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia