www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM Attends Shri Krishna Charitra Katha, launches Book on Shrimad Bhagwat at Rajkot

રાજકોટ શહેરમાં શ્રી વ્રજકુમાર બાવાના વ્યાસાસને ચાલી રહેલી શ્રી કૃષ્ણકથા ચરિત્રામૃત કથાના પાંચમાં દિવસે મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કથાશ્રવણનો લાભ લીધો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના વર્તમાન સત્રમાં જ ગૌવંશ હત્યાનો કડક કાયદો લાવવામાં આવશે અને ગૌવંશની હત્યા કરનારાઓને નશ્યત કરવામાં આવશે. ગાય, ગંગા અને ગીતાની સંસ્કૃતિના પરિપાલન તથા સંવર્ધન માટે રાજ્ય સરકાર જરૂરી પગલાં લઇ રહ્યા છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર દ્વારા ગૌ સંવર્ધન માટે આ વખતના બજેટમાં વિશેષ નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. જેમાં તાલુકા દીઠ નંદી ઘર બનાવવામાં આવશે. આ નંદીઘરના માધ્યમથી સારી ઓલાદ અને જાતના આખલાઓનું પોષણ કરી અસલ જાતની ગીર ગાયો, કાંકરેજી ગાયો અને જાફરાબાદી ભેંસોની જાતો સંવર્ધન કરવામાં આવશે. ગાય આધારિત ખેતીનો વિકાસ થાય એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, એમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે કેમિકલ વિનાની ખેતી કરવા માટે ગાયો ઉત્તમ માધ્યમ છે. ગાયોના પાલન સાથે શ્રેષ્ઠત્તમ રીતે ખેતી કરી શકાય છે. હવે તો આવી ખેતી દ્વારા ખેડૂતો વધુ આવક કરતા થાય છે.

રાજ્ય સરકારની સૌની યોજના અંગે એક મહત્વપૂર્ણ જાણકારી આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અચાગામી જન્માષ્ટી સુધીમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય છતાં, આજી ડેમ છલકાઇ જશે. એટલી ઝડપથી સૌની યોજનાની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજક ઉકાણી પરિવારની સરાહના કરી હતી.

કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળાએ કહ્યું કે જે પરિવારના વડીલો ધર્મમય જીવન જીવતા હોય તે પરિવારના સંતાનો સંસ્કારી અને સમૃદ્ધ બને છે. આ પરિવારના સંતાનોમાં માતા થકી સંવેદનશીલતા અને પિતા થકી પ્રતિબદ્ધતા સંતાનોમાં આવે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આ તકે જણાવ્યું કે આપણા ધર્મ ગ્રંથોમાંથી તમામ જીવને કોઇને કોઇ પ્રકારે માર્ગદર્શન મળી રહે છે. ધર્મમય જીવન જીવતા લોકો અન્યો માટે પ્રેરણારૂપ બની રહે છે. શ્રી પટેલે ભાગવત ગીતાને અજોડ ગ્રંથ ગણાવતા તેમના પ્રત્યેક શ્લોક થકી જીવનની હર સમસ્યાનો નીચોડ મળતો હોવાનું કહી આ કથાના આયોજનની સરાહના કરી હતી.

શ્રી વ્રજકુમાર બાવા દ્વારા રાજ્ય સરકારની ગૌવંશ હત્યા રોકવા માટેની સંકલ્પબદ્ધતાની સરાહના કરી હતી. કાશ્મીરના સ્પીકર શ્રી કરવિંદર ગુપ્તા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી ડાયાભાઇ ઉકાણી દ્વારા લિખિત શ્રીમદ ભાગવત હદયદર્શન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કુમારી રાધા ઉકાણી તથા આભાર દર્શન શ્રી મૌલેશ ઉકાણી દ્વારા કરવામાં આવ્યું હતું. લવ તથા અંશ ઉકાણી દ્વારા ગ્રંથ લેખન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ સમારોહમાં કેન્દ્રીય મંત્રીશ્રી પુરષોતમ રૂપાલા, રાજ્યના કૃષી મંત્રીશ્રી ચીમનભાઇ સાપરિયા, કૃષિ રાજ્ય મંત્રીશ્રી વી.વી. વઘાસીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રીપ્રવીણભાઇ માંકડીયા, શ્રી બાવનજીભાઇ મેતલીયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ગુજરાતમ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરી, સર્વે અગ્રણીશ્રી ડી.કે.સખીયા, રાજુભાઇ ધૃવ, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી,નાગદાનભાઇ ચાવડા, પુષ્કર પટેલ, ઉકાણી પરીવારના પરીજનો તથા વિશાળ સંખ્યામાં ભાવીકો ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia